ગુજરાત વિધાન સભાની સામાન્ય ચુંટણી 2022 માટે આદર્શ આચાસંહિતા
૧. મંત્રીશ્રીઓ/સત્તાધિકારીઓની ચૂંટણીલક્ષી જાહેરાત/ નાણાંકીય સહાય/ પરિયોજના કે શિલારોપણ વિધિ/સરકારી સેવાઓ કે જાહેર સાહસોમાં નિમણૂક અંગેની બાબતો.
મંત્રીશ્રીઓ અને બીજા સત્તાધિકારીઓ, સત્તાધારી પક્ષની તરફેણમાં, મતદારો પ્રભાવિત થાય તેવા હેતુસર:
(ક) કોઇપણ રૂપમાં કોઇપણ જાતની નાણાંકીય ગ્રાન્ટ અથવા તેના વચનોની જાહેરાત કરશે નહીં,
અથવા
(ખ) વિવેકાધીન ફંડમાંથી ચુકવણી મંજુર કરશે નહીં.
(ગ) કોઇપણ જાતની પરિયોજના કે યોજનાની(સરકારી અધિકારી / કર્મચારી સિવાય) શિલારોપણ વિધિ કરશે નહીં, અથવા ઉદધાટન/લોકાર્પણ કરી શકશે નહીં, અથવા
(ઘ)માર્ગો બાંધી આપવા, પીવાના પાણીની સગવડ કરી આપવા વગેરે અંગે કોઇ વચનો આપશે નહીં.
(ચ)સરકારી સેવાઓ કે જાહેર સાહસો વિગેરેમાં કોઇ પણ એડહોક (ad-hoc) નિમણૂકો આપી શકશે નહિં
૨. નીતિવિષયક બાબતોની જાહેરાત અંગે.
ચૂંટણી દરમિયાન મતદારો પર પ્રભાવ પાડે તેવી કોઇપણ પરિયોજના/યોજના, રાહતો કે અન્ય નીતિવિષયક બાબતો રાજય સરકાર કે સત્તાધારી પક્ષ જાહેર કરી શકશે નહીં.
૩. મંત્રીશ્રીઓની કચેરી કામ અર્થે વિધાનસભા મતવિભાગની મુલાકાત અને સરકારી વાહનોના ઉપયોગ અંગે.
કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ તેમજ બોર્ડ/નિગમ/સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના પદાધિકારીઓ ચૂંટણીઓ જાહેર થયાની તા.૦૩/૧૧/૨૦૨૨ થી ચૂંટણીઓ પૂરી થતાં સુધી કોઇપણ વિધાનસભા મત વિભાગની કચેરી કામ (Official Work) અર્થે મુલાકાત લઇ શકશે નહીં. અપવાદરૂપે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તૂટી પડે કે કુદરતી આપત્તિને લીધે કોઇ કટોકટી ઉપસ્થિત થાય તો માત્ર તેવા પ્રસંગોએ સંબંધિત ખાતાના મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ રાખવા કે રાહત કાર્યો ઉપર દેખરેખ રાખવા પ્રવાસ કરે, તો તે આદર્શ આચાર સંહિતાનો ભંગ ગણાશે નહીં.
૩.૧ કેન્દ્રના મંત્રીશ્રીને તેમના મુખ્ય મથક (Head Quarter) ખાતેથી કચેરી કામ અર્થે રાજય/જિલ્લાની મુલાકાત લેવી જાહેર હિતમાં અનિવાર્ય જણાય ત્યારે કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગના સચિવશ્રી/મંત્રાલય દ્વારા રાજયના મુખ્ય સચિવશ્રીને ઉપર મુજબની ખાતરી કરાવતો પત્ર પાઠવવાનો રહેશે
તેમજ આ પત્રની નકલ ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હીને અચૂકપણે મોકલવાની રહેશે. આ પ્રકારના પત્ર મળ્યેથી રાજયના મુખ્ય સચિવશ્રી મંત્રીશ્રીના પ્રવાસ દરમિયાન કોઇપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવનાર નથી તેની ખાતરી કરશે તેમજ કેન્દ્રના મંત્રીશ્રીને સરકારી વાહન અને નિવાસ ઇત્યાદિ રાજકીય શિષ્ટાચાર (Protocol) મુજબની સવલતો આપશે. મુખ્ય સચિવશ્રીએ મુખ્ય નિર્વાચન અધિકારીને તેની આગોતરી જાણ કરવાની રહેશે. કેન્દ્ર સરકારના મંત્રીશ્રી/મંત્રીશ્રીઓએ તેમના વતનના રાજય/સંસદીય મત વિસ્તારની અને વિશેષતઃ તેમણે જે સંસદીય મત વિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી હોય તે સંસદીય મત વિભાગની સરકારી ફરજના ભાગરૂપે/કચેરી કામ અર્થે મુલાકાત લેવાનું નિવારવું જોઇશે.
૩.ર મંત્રીશ્રીને તેઓના પ્રવાસ વખતે રાજય વહીવટી તંત્રે સશસ્ત્ર ગાર્ડ રાખવાની જરૂરી હોય તેવી સલામતી વ્યવસ્થા મંજુર કરી હોય તો પણ, મંત્રીશ્રી તેઓની અંગત મુલાકાત વખતે જેનાથી મંત્રીશ્રીની હાજરીની જાણ થાય તેવી કોઇપણ પાઇલોટ કાર કે કોઇપણ રંગની બીકન લાઇટ સાથેની કાર અથવા કોઇપણ સાયરન લગાવેલી કારનો ઉપયોગ કરી શકશે નહીં.
3.3 મંત્રીશ્રીઓ તેમને ફાળવવામાં આવેલ કે અન્ય સરકારી વાહનોનો ઉપયોગ માત્ર તેમના મુખ્ય મથકમાં રહેઠાણેથી કચેરી આવવા અને પરત જવા માટે જ કરી શકશે. વધુમાં, રહેઠાણથી કચેરી જવાના માર્ગમાં પક્ષની કચેરી આવતી હોય તો પણ તેમને ફાળવેલ વાહન (Official Vehicle)માં પક્ષની કચેરીની મુલાકાત લઇ શકશે નહીં.
4.કેન્દ્ર/રાજય સરકારના મંત્રીશ્રીઓ વગેરેએ ચૂંટણી પ્રચાર કાર્ય માટે સરકારી વાહનોનો ઉપયોગ નહીં કરવા બાબત.
કેન્દ્ર કે રાજય સરકારના મંત્રીશ્રીઓ વિગેરે ચૂંટણી પ્રચાર કાર્ય અથવા ચૂંટણીને સંબંધકર્તા બાબતો અંગે કોઇપણ જાતની મુસાફરીમાં સરકારી વાહનોનો બિલકુલ ઉપયોગ કરી શકશે નહીં. આવા વાહનોમાં હેલિકોપ્ટર, એરક્રાફટ, કાર, જીપ, ઓટોમોબાઇલ બોટ વગેરેનો સમાવેશ થાય છે. સરકારી વાહનો ઉપરાંત રાજય સરકારના જાહેર સાહસો, સંયુકત સાહસો, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ, નિગમો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, ખરીદ વેચાણ સંઘો, મહાસંઘો, સહકારી સોસાયટીઓ, જીલ્લાતાલુકા પંચાયતો તેમજ જાહેર નાણાનો જરા પણ હિસ્સો હોય તેવી કોઇપણ સંસ્થાઓના વાહનોનો ચૂંટણી પ્રચાર માટે બિલકુલ ઉપયોગ કરી શકાશે નહીં.
5.કેન્દ્ર/રાજય સરકારના મંત્રીશ્રીઓ વગેરેએ ચૂંટણી સંબંધી પ્રવાસ દરમ્યાન ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ/કર્મચારીઓ સાથે બેઠક નહીં યોજવા બાબત.
કેન્દ્ર કે રાજય સરકારના મંત્રીશ્રીઓ કે કોર્પોરેશનના બિનસરકારી પદાધિકારીઓ ચૂંટણી સંબંધી પ્રવાસમાં હોય ત્યારે ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે મીટીંગ કરી શકશે નહીં તેમજ તેઓને ગાંધીનગર સહિત અન્ય સ્થળે બેઠક માટે બોલાવી શકશે નહીં.
ગુજરાત વિધાન સભાની સામાન્ય ચુંટણી 2022 માટે આદર્શ આચાસંહિતા વિશે વધુ જાણવા નીચે આપેલ પીડીએફ ડાઉનલોડ કરો. DOWNLOAD PDF
0 comments: